Design a site like this with WordPress.com
Get started

તણાવ અને નિંદ્રા – stress and sleep

ઘણી વાર, ખાસ કરીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ નોધ્યું હશે, કે રાત્રે સુતા પહેલા જે વાંચ્યું હોય, અથવા કોઈ સંગીત સાંભળ્યું હોય તો તે બીજા દિવસે સવારે તેની યાદ વધારે તાજી હોય છે. ઉપરાંત, અગર જો આગલા દિવસે સવારે આ જ ક્રિયા કરી હોય અને બપોરે જો યાદ કરવામાં આવે તો તે એટલી તાજી નથી હોતી. આનું કારણ છે કે આપણા મગજમાં યાદો નું એકીકરણ આપણે સુતા હોઈએ ત્યારે થતું હોય છે, તેથી સુતા પહેલા વાંચેલ માહિતી વધારે સારી રીતે સંગ્રહિત થાય છે અને બીજા દિવસે સવારે પણ યાદ રહે છે.

પ્રાણીઓ માટે નિંદ્રા એક વિચિત્ર શારીરિક અને માનિસક પ્રક્રિયા છે. નિંદ્રા કોઈ બેભાન સ્થિતિની અમસ્તી પ્રક્રિયા નથી, પણ તે વ્યવસ્થિત અને તંત્રબદ્ધ હોય છે જેમાં નિંદ્રાના વિવિધ પ્રકાર (sleep stages) પણ જોવા મળે છે. તમે વિચારતા હશો કે આપણા મગજમાં નિંદ્રા દરમ્યાન કેવી પ્રક્રિયાઓ ચાલતી હશે? – તો તેન આધાર આપણે કયા પ્રકાર અથવા કક્ષાની નિંદ્રામાં છીએ તેના પર હોય છે. જયારે આપણે સુઈ જવાની તૈયારી કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ ધીમી-તરંગ ની નિંદ્રામાં (slow-wave sleep) હોઈએ છીએ – મતલબ કે તે સમય દરમ્યાન આપણું મગજ ધીમી આવર્તનો માં સક્રિય હોય છે. આ સમયે મોટા ભાગનું મગજ હળવી સક્રિયતા દર્શાવે છે જેથી કરીને આપણા ચેતાતંત્રને (nervous system) પુરતો આરામ મળે.

ત્યાર બાદ આપણે બીજા તબ્બકાની નિંદ્રામાં પ્રવેશીએ છીએ જેમાં આપણી આંખ બંધ હોવા છતાં પણ ઝડપથી ફરતી હોય છે (rapid eye movement sleep – REM sleep). આ તબક્કાની નિંદ્રા દરમ્યાન આપણું મોટાભાગ નું મગજ નિષ્ક્રિય રહે છે અને અમુક વિશેષ ભાગ સજાગ અને સક્રિય થાય છે. આ વિશેષ ભાગોમાં નો એક ભાગ છે જેનું મગજના ગૌણ સંવેદનાત્મક આચ્છાદન (secondary sensory cortex) તરીકે ઓળખવામાં આવે છે. દિવસ દરમ્યાન જયારે આપણે આંખ દ્વારા કોઈ વસ્તુ જોઈએ તો તે માહિતીની મગજના પ્રાથમિક સંવેદનાત્મક આચ્છાદન (primary sensory cortex) માં પ્રક્રિયા થાય છે. જરૂર પુરતી માહિતી મેળવ્યા બાદ વધારાની માહિતી ને મગજના ગૌણ સંવેદનાત્મક આચ્છાદન (secondary sensory cortex) માં સંગ્રહિત અને કાર્યવાહી કરવામાં આવે છે. આ બીજા તબક્કાની નિંદ્રા દરમ્યાન મગજનું પ્રાથમિક સંવેદનાત્મક આચ્છાદન (primary sensory cortex) નિષ્ક્રિય થાય છે અને મગજના ગૌણ સંવેદનાત્મક આચ્છાદન (secondary and tertiary sensory cortex) અત્યંત સક્રિય બને છે. મતલબ કે આપણે આંખ થી માહિતી ના મેળવતા હોઈએ છતાં આપણા મગજમાં માહિતી ની પ્રક્રિયા અને સંવેદના અનુભવતી હોય છે – જેને સામાન્ય રીતે આપણે ‘સપનું જોતા હોઈએ’ તેમ કહીએ છીએ.

અહિયાં શાહમૃગ પક્ષી ધીમી-તરંગ ની નિંદ્રામાં (slow-wave sleep: SWS) આરામ કરતા જોવા મળે છે. અને રેમ-નિંદ્રા (rapid eye movement sleep – REM sleep) દરમ્યાન સપના જોતા હોય તેવું વર્તન દર્શાવે છે. (Wikipedia video source)

 તો હવે તમે વિચારતા હશો કે આપણે સપના કેમ જોતા હોઈશું? અને આટલા બધા નિંદ્રાના પ્રકારો કેમ છે? અને ખાસ તો એમ કે આપણને નિંદ્રાની જરૂર કેમ છે? તો જવાબ ખુબ સરળ પણ મહત્વનો છે કે નિંદ્રા દ્વારા આપણે શારીરિક આરામ મેળવતા હોઈએ છીએ, ખાસ કરીને મગજને આરામ, અને ઉર્જાને પુન:સ્થાપિત કરતા હોઈએ છીએ. આપણું મગજ આશરે શરીરનું ૩% વજન ગણાતું હોય છે, પણ તે આશરે ૨૦-૨૫% ઉર્જા નો ઉપયોગ કરતું હોય છે – જેમાં ખાસ કરીને ચેતાકોશો (neurons) ની ઉર્જા સંગ્રહ કરવાની આવડત ખુબ નબળી હોય છે. આમ, નિંદ્રા આપણા શરીરને અને ખાસ તો મગજને આરામ આપવાનું કામ કરે છે. વર્તમાન સંશોધનો દર્શાવે છે કે આ ઉપરાંત નિંદ્રા એક બીજું મહત્વનું કાર્ય પણ કરે છે, જેમાં તે આપણા મગજમાં યાદો નું એકીકરણ અને સંગ્રહ માટે જવાબદાર છે. સપના જોવા માટેનું હજુ સુધી કોઈ એક ચોક્કસ કારણ નથી મળી આવ્યું. એક સમજી શકાય તેવું કારણ એ છે કે સપના જોવાથી મગજના તે ભાગ ને સક્રિય કરવાની તક મળે છે જે દિવસ દરમ્યાન પૂરતા સક્રિય ના થયા હોય. સામાન્ય રીતે REM-નિંદ્રા નું યાદોના સંગ્રહ અને પ્રક્રિયા માટેનું કામ ખુબ મહત્વ નું છે. વિવિધ સંશોધનો દર્શાવે છે કે REM-નિંદ્રામાં ખલેલ પડવા ને કારણે સમજશક્તિ (cognition) માં પણ ખલેલ પડે છે – આ વ્યક્તિઓની યાદશક્તિ નબળી રહે છે અને નવી વસ્તુ શીખવામાં અથવા સમજવામાં પણ તકલીફ પડે છે.

હવે આ ઘટના માં જો આપણે તણાવ (stress) ને ઉમેરીએ તો? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે નિંદ્રાની વંચતીતતા (sleep deprivation) પણ એક તણાવ-કારક (stressor) પરિબળ છે. જો કોઈ વ્યક્તિને પુરતી નિંદ્રા ના મળે તો તેમના શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સ (stress-hormones) ના સ્ત્રાવમાં વધારો જોવા મળે છે. આના થી વિરુધ હોર્મોન (corticotropin-inhibiting hormone) જે ગ્લુકો-કોર્ટીકોઈડને(glucocorticoids) નિષ્ક્રિય બનાવે છે, તે નિંદ્રા માટે પણ ખુબ આવશ્યક છે. પુરતી નિંદ્રા ન મેળવવા ને કારણે ગ્લુકો-કોર્ટીકોઈડનો સ્ત્રાવ વધે છે, અને ગ્લુકો-કોર્ટીકોઈડના સ્ત્રાવ વધવાને કારણે પુરતી નિંદ્રા નથી મળતી. પણ આ વિશ-ચક્ર દેખાય તેટલું ગંભરી નથી અને તેમાં થી બહાર નીકળી શકાય છે – કારણકે અંતે એક વાર આપણે એટલા બધા થાકી જતા હોઈએ છીએ કે આપણને નિંદ્રા આવી જતી હોય છે. વાત ત્યારે ગંભીર બને છે જયારે આપણે સતત તણાવ (long-term, chronic stress) અનુભવતા હોઈએ છીએ અને તેના કારણે પુરતી નિંદ્રા નથી મેળવી શકતા. આ પરિસ્થિતિમાં સોથી સંવેદનશીલ પ્રકાર ધીમી-તરંગ ની નિંદ્રા (slow-wave sleep) છે – જેમાં શરીર ને પ્રાથમિક આરામ મળે છે. પરિણામે ચોક્કસ પ્રકારની નિંદ્રા મેળવવી જરુરી બની જાય છે, જેથી આપણા શરીરને પુરતો આરામ થાય અને આપણા મગજને વિશેષ પ્રક્રિયાઓ કરવા માટેનો લાભ પણ મળે.

Advertisement

Published by Darshak

PhD candidate enrolled at the University of Groningen and the University of Sao Paulo, pursuing a project on designing safe bio-therapeutics for cancer treatment. Find @DarshakWrites

One thought on “તણાવ અને નિંદ્રા – stress and sleep

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: