Design a site like this with WordPress.com
Get started

તણાવ, યાદશક્તિ અને યાદોનો સંગ્રહ – stress, learning and memory

પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) અનેક ઉદાહરણો છે. જેમ કે ભય દ્વારા થતો પ્રતિસાદ, જેમાં કોઈ ચોક્કસ પ્રકારના ભય સામે આપણું શરીર પ્રતિક્રિયા આપવા માટે ટેવાતું હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો, અમદાવાદના ૨૦૦૧માં થયેલ ભૂકંપ વખતે હું હાજર હતો – અને એ કઈ મજા ની વાત ન હતી. તેના કારણે જયારે પણ કોઈ વાર નજીકમાં બાંધકામ ચાલતું હોય અથવા કોઈ મોટું વાહન પસાર થવાને કારણે જમીન ધ્રુજી ઉઠે તો થોડી ક્ષણો માટે હું રોકી જાઉં અને મને એમ થઇ જાય કે શું આ ફરી કોઈ ભૂકંપ તો નથી ને? બસ વર્ષો પહેલા અનુભવેલી ૧૫-૨૦ સેકન્ડના ભયને કારણે હજુ પણ મારા શરીરમાં એક અવિસ્મરણીય યાદ હાજર છે જે મારા વર્તનમાં ફેરફાર કરાવી શકે છે.

તમે વિચારતા હશો કે આ યાદશક્તિ કેવી રીતે કામ કરતી હશે? સંશોધન દ્વારા વિવિધ પ્રકારની યાદશક્તિઓ ને ઓળખવામાં આવી છે, પણ તણાવને (stress) લગતા ક્ષેત્રમાં આપણે પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) અને પ્રત્યક્ષ-યાદશક્તિ (explicit memory) વચ્ચેના ફેરને સમજવું જરૂરી છે. પ્રત્યક્ષ અથવા સ્પષ્ટ-યાદશક્તિ (explicit or declarative memory) એ છે જેમાં તમે કોઈ ચોક્કસ ઘટના માણો છો અથવા કોઈ હકીકત જાણો છો અને તમને આ ઘટના-હકીકત યાદ છે તેની તમને સજાગપણે જાણ છે. દાખલા તરીકે – કોઈ ની વર્ષગાંઠ, અથવા કોઈ નું નામ, રહેઠાણ વગેરે. આના થી અલગ, પરોક્ષ-યાદશક્તિ (અવ્યક્ત, implicit memory)  એ છે જેમાં આપણને કોઈ વાત યાદ છે એનું સજાગ ભાન આપણને નથી હોતું. અને આપણે તેનું ઉદાહરણ ઉપર જોયું તેમ હોઈ શકે છે. મગજના કયા ભાગ અવલોકન અને યાદશક્તિની પ્રક્રિયાઓ માટે સામેલ હોય છે? હિપ્પોકેમ્પસ (મગજમાં આંતરિક -મધ્યસ્થ ક્ષેત્ર આવેલ ભાગ જે લાગણીઓ અને યાદશક્તિ માટે જવાબદાર છે – hippocampus) અને તેની જોડાણમાં આવેલ મગજનો ભાગ સ્પષ્ટ-યાદશક્તિ (explicit or declarative memory)ની કેળવણીમાં મદદ કરે છે. જયારે સેરેબેલમ (લઘુ મસ્તિષ્ક અથવા નાનું મગજ – cerebellum) પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) માટે જવાબર હોય છે.

હિપ્પોકેમ્પસ (મગજમાં આંતરિક -મધ્યસ્થ ક્ષેત્ર આવેલ ભાગ જે લાગણીઓ અને યાદશક્તિ માટે જવાબદાર છે – hippocampus) – Image from Wikipedia

વ્યક્તિગત કોષોની દ્રષ્ટીએ યાદશક્તિ ક્યાં જોવા મળે છે ? – તો કોઈ નવી યાદ એટલે કોઈ નવા ચેતાતંતુ નો ઉદ્ભવ અથવા બીજા ચેતાતંતુઓ સાથે નવું જોડાણ નથી હોતું. પણ હયાત જોડાણોને વધારે ગાઢ, વધારે મજબુત, વધારે ઉત્તેજક, અને લાંબા સમય માટે સ્થાયી રહે તેની પ્રક્રિયા છે. આ સમજુતી ને લાંબા ગાળાના સંસર્ગના (long term potentiation) નામે ઓળખવામાં આવે છે, અને હાલના સમય માં આપણી મનુષ્યના મગજને પ્રત્યેની સીમિત સમજ દર્શાવે છે. હાલની સમજણ પ્રમાણે મગજમાં યાદો ચેતાકોશો (neurons)ના જાળાની ગૂંચવણમાં (neural network) સંગ્રહિત કરવામાં આવે છે. વિચાર એ છે કે કોઈ એક ચોક્કસ યાદ કોઈ ચોક્કસ ચેતાકોશમાં સંગ્રહિત નથી કરવામાં આવતી – પણ વિવિધ ચેતાકોશો (neurons) વચ્ચેના સંબંધમાં અનુસંધાન રૂપે વેરાયેલી (diffused in the neural network) હોય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ જમણવારમાં જાવ અને કોઈ સગાવાહલાનું નામ યાદ કરવાનો પ્રયત્ન કરતા હો, ત્યારે તમે વિવિધ માહિતીઓના અનુસંધાન દ્વારા તેમનું નામ યાદ કરતા હો છો – જેમ કે આ વ્યક્તિના  નામમાં કેટલા અક્ષરો હતા? – મને યાદ છે કે આમનું નામ ‘ગ’ પરથી શરુ થતું હતું. – મેં આમને પહેલા ક્યાં જોયા છે, કોની સાથે જોયા છે? વગેરે વગેરે.. અને આમ કરતા વિવિધ અનુસંધાનો ભેગા કરતા આપણને કોઈ વ્યક્તિ નું નામ યાદ આવે છે.

તો હવે જાણીએ કે તણાવ (stress) દરમ્યાન અથવા તેના કારણે યાદશક્તિ પર કેવી અસર થાય છે. તો આપણે જાણીએ છીએ કે ટૂંકા ગાળાના તણાવ (short term, acute stress) ને કારણે આપણું હૃદય વધારે ધબકવા લાગે છે, મગજ સુધી લોહી ઝડપી ગતિએ પહોચવા લાગે છે, જેથી ઓક્સીજન (oxygen) અને શર્કરા (glucose) વધારે પ્રમાણમાં મગજ સુધી પહોચે છે. પરિણામે મગજમાં રહેતા ચેતાતંતુઓ વધારે ઉત્સાહિત બની જાય છે અને ઝપડી કાર્ય કરે છે. વિવિધ સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ટૂંકા ગાળાના તણાવ ને કારણે યાદશક્તિ તીવ્ર બને છે.

પણ લાંબા ગળાના તણાવની અસર તદ્દન જુદી જોવા મળે છે – જેમાં યાદશક્તિ નબળી પડે છે. લાંબા ગાળાના તણાવ (long term, chronic stress) ને કારણે લોહીમાં રહેતા ગ્લુકોસ અને ઓક્સીજનની ખામી વર્તાય છે અને તેના કારણે મગજ સુધી જરૂરી પોષક તત્વો ઓછા પ્રમાણમાં પહોચે છે. તેની મગજની કાર્ય ક્ષમતા પર અવરોધક અસર પડે છે. સતત રહેતા તણાવ ને કારણે મગજમાં રહેતા ચેતાકોશો થાક અનુભવે છે – અને તેમની આવરદા ઘટતી જાય છે. પરિણામે સતત તણાવ અનુભવતા લોકોને યાદશક્તિ નબળી પડતી જોવા મળે છે. મગજમાં હિપ્પોકેમ્પસ (hippocampus) તણાવને લગતી આ પ્રક્રિયા સામે વિશેષ સંવેદનશીલતા દર્શાવે છે જેના કારણે પ્રત્યક્ષ-યાદશક્તિ (explicit memory) પર વધારે અસર થાય છે.

 

Advertisement

તણાવ અને પીડા – stress and pain

આપડે અનેક વાર અત્યંત મસાલેદાર ખાવાનું ખાતા હોઈએ છીએ, અને કોઈ વાર તો આપણને પીડા થાય તે હદે ખાતા હોઈએ છીએ. ઘણી વાર આમ ખાતી વખતે આપણને પરસેવો છુટી જાય તો પણ આપણને તેની મજા આવે છે. ઘણા લોકો વિચારતા હશે કે તીખું ખાવા થી પીડા કેવી રીતે થાય, અને આપણને તેના લીધે ગરમી કેમ લાગે. નોંધપાત્ર રીતે, સંશોધન બાદ જાણવા મળ્યું કે કેપ્સેસીન (capsaicin) જે તીખા મરચા માંથી મળી આવતો પદાર્થ છે, તે આપણા શરીરમાં રહેતા ગરમીને લગતા ચેતાતંત્રને પણ સાવચેત અને સક્રિય કરે છે. તેથીજ ગરમ અને મસાલેદાર ખાવાનું, સ્વાદ ઉપરાંત વાસ્તવિક રીતે ગરમી અને પીડાને લગતા ચેતાતંત્રને ઉત્સાહિત કરે છે.

પીડા (pain) અને તણાવ (stress) વચ્ચે બહુ ગાઢ સબંધ છે. પીડા એક તણાવ-કારક (stressor) પરિબળ છે, અને તેની સામે તણાવને કારણે આપણી પીડાને સહન કરવાની ક્ષમતામાં ફેરફાર થઇ શકે છે. આની પહેલાના અત્યાર સુધીના બધા લેખોમાં આપણે એક સામાન્ય વાત નોધી કે ટૂંકા ગાળા નો તણાવ યોગ્ય હોઈ શકે, પણ સતત અને લાંબા ગાળાના તણાવને કારણે વિવિધ પ્રશ્નો ઉભા થઇ શકે છે. તેમ સમયસર થતી પીડા આપણા જીવનની એક મહત્વની પ્રક્રિયા છે, જેના કારણે આપણે આપણું વર્તન બદલી શકીએ છીએ અને કોઈ જોખમ અથવા હાનીથી બચી શકીએ છીએ (કઈ વાગે-કરે ત્યારે, અચાનક દાઝીએ ત્યારે). પણ તેવા સમયે, જયારે આપણે કોઈ પ્રતિક્રિયા નથી કરી શકતા, તે દરમ્યાન પીડા એક દુખ ભરી અવસ્થા છે. આપણું શરીર પીડા અનુભવે ત્યારે વિવિધ જ્ઞાનેન્દ્રિયો (sensors) દ્વારા શરીરને સાવચેત કરવામાં આવે છે કે – શરીર સાથે કોઈ અનપેક્ષિત ઘટના ઘટી છે. આ જ્ઞાનેન્દ્રિયો (sensors) ચામડી પર (skin), પેશીઓમાં (muscles), વિવિધ અંગોમાં (organs) ફેલાયેલી હોય છે. અને સંકટ સમયે પીડાને લગતા રસાયણિક સંદેશો ચેતાતંત્ર- કરોડરજજુ (spinal cord) દ્વારા મગજ સુધી પહોચાડે છે. પીડાને લગતી આ જ્ઞાનેન્દ્રિયો (pain sensors) ગરમી, ઠંડી, દબાણ (pressure), અથવા કોઈ ઘા (cut-wounds) થાય તેવા સમયે ઉતેજીત થાય છે.

તો તમે હવે વીચારતા હશો કે આ વિવિધ પ્રકારના રસાયણિક સંદેશો મગજમાં ઉકેલાતા કેવી રીતે હશે? વોલ-મેલઝાક (Wall-Melzack model) દ્વારા આ પ્રક્રિયાની એક સરળ સમજુતી આપવામાં આવી છે. તે પહેલા જણાવી દઉં કે હકીકતમાં આપણું ચેતાતંત્ર આટલું સરળ નથી – પણ આ લેખમાં જરૂરી સમજણ માટે આ માહિતી પુરતી છે.  માની લો કે આપણી કરોડરજ્જુમાં એક ચેતાકોશ (neuron x) છે જે શરીરથી મગજ સુધી પીડાને લગતા સંદેશ પહોચાડવા માટે જવાબદાર છે. હવે આ ચેતાકોશ સુધી બે પ્રકારની પીડાના સંદેશ પહોચાડી શકાય છે – અચાનક અથવા આકસ્મિક પીડાને લગતા (sudden pain), અને અન્ય ધીમી પીડાને લગતા (slow pain). સરળતા માટે આકૃતિમાં ચેતાકોશોને ‘O‘ વર્તુળમાં દર્શાવ્યા છે.

વોલ-મેલઝાક (Wall-Melzack model) દ્વારા આપણે વિવિધ પ્રકારના રસાયણિક સંદેશો મગજમાં કેવી રીતે ઉકેલાતા હશે એની એક સરળ સમજુતી માણી શકીએ છીએ.

હવે એક વધારે વિગત ઉમેરીએ. એક બીજો ચેતાકોશ (neuron y) પણ આપણી કરોડરજ્જુમાં હાજર છે, જે પહેલા ચેતાકોશ સાથે જોડાયેલ અથવા સંપર્ક માં છે. હવે આ નવો ચેતાકોશ (neuron y) નું કામ છે કે તે પહેલા ચેતાકોશને (neuron x) શાંત પાડે છે. તો જયારે આપણે અચાનક પીડા અનુભવીએ (અજાણે દઝીયે અથવા વગાડીએ ત્યારે) શરીર પહેલા ચેતાકોશને (neuron x) ઉત્સાહિત કરશે અને આપણને પીડાનો અનુભવ થશે. તેજ સમયે શરીર બીજા ચેતાકોશ (neuron y) ને પણ ઉત્સાહિત કરશે, જે બદલામાં હળવેકથી પહેલા ચેતાકોશને (neuron x) નિષ્ક્રિય કરી શાંત પડશે. આજ કારણ સર આપણે જયારે ભૂલમાં કોઈ ગરમ વસ્તુને હાથ લગાડીએ ત્યારે અચાનક અતિશય પીડા થઇ થોડા સમયમાં શાંત પડી જાય છે. આનાથી વિરુદ્ધ, જયારે કોઈ ધીમી ગતિની પીડા અનુભવાય, ત્યારે બસ શરીર પહેલા ચેતાકોશને જ (neuron x) ઉત્સાહિત કરશે અને બીજા ચેતાકોશને (neuron y) નહિ કરે જેથી પહેલો ચેતાકોશ (neuron x) લાંબા સમય સુધી સક્રિય રહેશે અને આપણે પીડા પણ લાંબા સમય સુધી અનુભવીશું.

હવે એક છેલ્લી વિગત ઉમેરીએ કે કરોડરજ્જુ-થી-મગજ સુધી જતા ચેતાકોશો ની જેમ મગજ-થી-કરોડરજ્જુ તરફ પણ ચેતાકોશો સંદેશ લઇ જતા હોય છે. મગજમાં થી નીકળતા આ વિવિધ ચેતાકોશો પીડા સામેની સંવેદનશીલતા નું નિયમન કરે છે – જેમાં તે કોઈ પીડાને લગતા સંદેશને હળવા કરી શકે છે (analgesia), અથવા કોઈ નાના અમથી પીડાને ઉગ્ર રૂપમાં પરિવર્તિત કરી શકે છે (hyperalgesia). મગજ-અને-કરોડરજ્જુના વાર્તાલાપનું નિયમન કરતી આ પ્રણાલીમાં તણાવની અસર નોધી શકાય છે. જેમાં એક સારા કિસ્સામાં તણાવ દ્વારા પીડાને લગતા સંદેશોની સામે મગજ આ સંદેશોને હળવા અને સહી શકાય તેવા કરે છે (stress induced analgesia). સામાન્ય રીતે મગજ દ્વારા એન્ડોરફીન (endorphins)ના સ્ત્રાવને કારણે પીડાને હળવી પાડી શકાય છે. મોટા ભાગે ટુંકા ગળાના તણાવ ની અસર પીડાને હળવી કરતી હોય તેમ જોવા મળે છે.

પણ સતત રહેતા તણાવ ને કારણે પીડાની અનુભૂતિ માં કેવી અસર જોવા મળે છે? તો આ કિસ્સામાં વાત થોડી ગંભીર બની જાય છે. સતત પીડત રહેતા વ્યક્તિઓમાં ચેતાતંત્ર વધારે સંવેદનશીલ થતું જાય છે અને તેના કારણે કોઈ પીડા સામે અતિસંવેદનશીલતા દર્શાવે છે (hyperalgesia), જેમાં નાની અમથી પીડાને કારણે કોઈ વ્યક્તિ તેને સામાન્ય કરતા ઉગ્ર રૂપે અનુભવી શકે છે. અહી મગજ દ્વારા એન્ડોરફીન (endorphins)ના સ્ત્રાવમાં ઘટાડો જોવા મળે છે અને તે પીડા સામે આપણને રક્ષણ નથી પૂરું પડી શકતા. આ ખરેખર એક અપવાદ રૂપી પ્રણાલી છે જેના સતત સક્રિય રહેવાને કારણે પ્રણાલી ધીમી અથવા બંધ નથી પડતી, પણ વધારે સક્રિય બને છે.   

તણાવ અને કેન્સર – stress and cancer

ઐડ્સ (AIDS)ના દર્દીઓને એક ચોક્કસ પ્રકારના કેન્સર (cancer) થવાનું જોખમ વધારે હોય છે, જેમ કે કાપોસીનો સારકોમા (Kaposi’s sarcoma) જે વિવિધ અંગોમાં ગાંઠ રૂપે જોવા મળે છે. ઐડ્સના દર્દીયોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે આ કેન્સર થવાનું જોખમ વધી શકે છે, પણ મહત્વની વાત એ છે કે બધાજ ઐડ્સના દર્દીયોને આ કેન્સર નથી થતો. કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સદંતર નિષ્ક્રિય સ્તરે પહોચી જાય ત્યારે તેમને કેન્સર થવાનું જોખમ ગંભીર રૂપે વધે શકે છે. પણ આપડે આગળના લેખમાં વાંચ્યું એમ, તણાવના (stress) કારણે રોગપ્રતિકારક તંત્ર નબળું જરૂર પડે છે પણ નિષ્ક્રિય નથી થતું. તો પછી તમે વિચારતા હશો કે તણાવ અને કેન્સર ને શું સંબંધ?

હાલના સમયમાં તણાવ વિષે સંશોધન કરતા વૈજ્ઞાનિકો માટે, તણાવ ની કેન્સર પર અસર વિષે જાણવું તે એક મહત્વનો મુદ્દો છે. કેન્સર (cancer) અકુદરતી અને અસ્વસ્થ કોષ-વિભાજનના કારણે થતો રોગ છે. સામાન્ય રીતે ગર્ભમાં અને  બાલ્ય અવસ્થા દરમ્યાન તમારું શરીર વિકાસ અને વૃદ્ધીમાં ખુબ ઉર્જા અને સમય વિતાવે છે. એક ચોક્કસ પ્રમાણમાં વૃદ્ધિ પામવા માટે અને તેના સચોટ અને સમયસર નિયમન માટે વિશેષ જનીન (genes) જવાબદાર હોય છે. બસ આજ જનીનોના અસામાન્ય અથવા અકુદરતી નિયમન ને કારણે કેન્સર ના કોશો વૃદ્ધિ પામે છે. આ જનીન કેન્સરને અવરોધક (tumor-suppressing genes) અથવા કેન્સરને સહાયક (oncogenes) હોઈ શકે છે.

આપડે ઘણી જગ્યાએ વાંચ્યું અથવા સાંભળ્યું હશે કે તણાવને કારણે કેન્સર થવાની શક્યતા વધી શકે છે. અને કેન્સર થયા બાદ તણાવ માં રહેવાને કારણે કેન્સરની પ્રગતિ પણ ઝડપી થઇ શકે છે. સમાજમાં આવી અનેક ધારણાઓ તણાવ અને કેન્સરના સંબંધ વિષે ફેલાયેલી છે. તો ચાલો અહિયાં આપડે તેમને વારાફરતી ચકાસીએ – કે શું ખરેખર આ વાતો સાચી છે?

પહેલા જાણીએ કે તણાવ અને કેન્સરને લગતા પ્રયોગો કેવી રીતે કરવામાં આવે છે. અસામાન્ય તણાવ અને અતિશય ગ્લુકો-કોર્ટીકોઈડ (glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સના (hormones) સ્ત્રાવ ને કારણે પ્રયોગશાળાના પશુઓમાં (જેમ કે ઊંદર, સસલું, વગેરે) કેન્સરની શક્યતા વધતી જોવા મળે છે. પણ મનુષ્ય માટે આ નોધનું અર્થ ઘટન કેવી રીતે કરી શકીએ? તો જાણવાની વાત એ છે કે આપડી પાસે આ વાતને નકારવા માટેના ઘણા કારણો છે – જેમ કે વૈજ્ઞાનિકો કોઈ ઉંદરને કેન્સર થાય તેની રાહ નથી જોતા, પણ તે ઉંદરમાં બહાર થી કેન્સરના કોશો દાખલ કરે છે અને ત્યાર બાદ તે કેન્સરના કોષોની વૃદ્ધિ નોધે છે. મનુષ્યોમાં મળી આવતા કેન્સર આવી અકુદરતી રીતે વૃદ્ધિ નથી પામતા, જેથી કરીને તણાવ અને કેન્સર વચ્ચેના સંબંધ નું વિશ્લેષણ કરતા આવા વિવિધ પ્રયોગો ને વિશ્વસનીય કેમ ગણવા તે એક અલગ ચર્ચા નો વિષય છે.  

તણાવ અને કેન્સર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવો એટલે અઘરો છે કારણ કે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ જે આ ક્ષેત્રમાં સંશોધન માટે જોડાય છે, તે એવી પૂર્વધારણા સાથે પ્રવેશે છે કે તણાવ અને કેન્સર વચ્ચે સીધો સંબંધ છે. તેથી જ ઘણી વિગતવાર શોધખોળ અને વિષયલક્ષી સમય ની જરૂર આ વાતનો ઉત્તર આપવામાં ગઈ છે. પહેલી નજરે આપણને પણ એમ જ થાય કે વધારે તણાવ એટલે કેન્સર થવા ની શક્યતા વધારે. પણ આ વાતમાં એક લોચો છે – કે આ સીધા સંબંધને સાબિત કરતા મોટા ભાગ ના અભ્યાસ પૂર્વવર્તી (retrospective) હોય છે. અર્થાત, કોઈ વ્યક્તિની કેન્સર થયા બાદ તેમને પૂછવામાં અથવા તો અભ્યાસ કરવામાં આવે કે તે વ્યક્તિ કેવો તણાવ અનુભવતા હતા. સમસ્યા એ છે કે જયારે આપડા જીવનમાં કોઈ ખરાબ સમય આવે ત્યારે આપણને બધું ખરાબ જ યાદ આવે છે. તેથી જ કોઈ કેન્સરના દર્દી ને તેમના પાછલા બે-ત્રણ વર્ષ દરમ્યાન અનુભવ્યા તણાવ વિષે પૂછો તો તે તમને બધી દુખદ વાતો જ વધારે કહેશે. આ વાત વિવિધ  પ્રયોગો દ્વારા સાબિત થઇ ચુકી છે કે જયારે તમે કોઈ વ્યક્તિના તણાવ નો ઈતિહાસ પૂછો, તો બીજા દર્દીયોને તુલનામાં કેન્સરથી પીડાતા દર્દીયો વધારે સારી રીતે તણાવને યાદ કરી શકશે. તેમ જ ગંભીર કેન્સરથી પીડાતા દર્દીયો અન્ય કેન્સર દર્દીયો કરતા વધારે સારી રીતે તણાવને યાદ કરી શકશે. આ કારણો સર પૂર્વવર્તી (retrospective) અભ્યાસથી મળી આવતા પરિણામો ઓછી વિશ્વસનીયતા દર્શાવે છે. તેમની સરખામણીમાં સંભવિત (prospective) અભ્યાસ પદ્ધતિ વધારે વિશ્વસનીય માની શકાય – જેમાં સમાજના વિવિધ તંદુરસ્ત વ્યક્તિઓ નો લાંબા સમય માટે અભ્યાસ કરવામાં આવે છે, અને તેમણે અનુભવ્યા રોજીંદા તણાવ અને કેન્સર થવાની સંભાવના વચ્ચેનો સંબંધ નોધવામાં આવે છે. હજુ આ પ્રકારના સંભવિત (prospective) અભ્યાસો દ્વારા કોઈ ચોક્કસ પરિણામ નથી મળ્યા અને તેની આતુરતાથી રાહ જોવાય છે.

તણાવથી પણ આગળ વિચારીએ તો, કોઈ વ્યક્તિના સ્વભાવ અથવા પ્રકૃતિ ના કારણે તેમને કેન્સર થવાનું જોખમ વધી શકે? તો અત્યારે સંશોધન હેઠળનો આ એક મહત્વનો પ્રશ્ન છે. આ મહત્વનો પ્રશ્ન એટલા માટે છે કારણકે વિવિધ હોસ્પિટલોમાં, અથવા વિવિધ દાક્તરો કે ગુરુઓ દ્વારા તણાવનું સંચાલન (stress management) કરવા માટેના વિશેષ કાર્યક્રમો યોજાય છે. અને ખાસ તો કેન્સર થી બચવા અથવાતો કેન્સરની પ્રગતિને રોકવા માટેના આવા કાર્યક્રમોની જાહેરાત આપડે રોજ જોતા હોઈએ છીએ. પણ આપડે વાંચ્યું તેમ તણાવ અને કેન્સર વચ્ચેનો સીધો સંબંધ હજુ સુધી વૈજ્ઞાનિક રીતે સ્થપાયેલ નથી – અને આમ તેની ખોટી જાહેરાત કરવી તે બેજવાબદાર અને ખરાબ નીતિશાસ્ત્રની નિશાની છે.

તણાવ અને તમારી રોગપ્રતિકારક શક્તિ – stress and your immune system

તમારા વિચારો અને લાગણીયો તમારી રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના પુરાવા અનેક સદીઓ પહેલા મળી આવેલા. ૧૯મી (૧૮૦૦-૧૯૦૦) સદી દરમ્યાન ખબર નહિ કોને આ વિચાર આવ્યો, પણ તેમણે નોધ્યું કે જયારે કોઈ વ્યક્તિ ગુલાબ સામે તીવ્રપ્રતિક્રિયા (rose allergy) આપતું હોય, અને તે વ્યક્તિ થી નજીક તમે કોઈ કુત્રિમ ગુલાબ લઇ જાવ તો તે વ્યક્તિ ને છીંક આવવાની શરુ થઇ જશે. આ દર્શાવે છે કે તે વ્યક્તિ એક વાસ્તવિક કુદરતી ગુલાબ સામે પ્રતિક્રિયા નથી દર્શાવતા પણ ગુલાબના વિચાર સામે આપે છે. આવી વિશેષ પ્રક્રિયા ના અભ્યાસ ને મનોરોગપ્રતિરક્ષાવિજ્ઞાન  (સાયકોન્યુરોઇમ્યુનોલોજી – psychoneuroimmunology) કેહવાય છે. આવા સંજોગ દરમ્યાન કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ માનસિક કારણો દ્વારા સક્રિય બની જાય છે.

તો પહેલા જાણીએ કે આપડા શરીરનું રોગપ્રતિકારક તંત્ર કેવી રીતે કામ કરે છે. પહેલા તો તે જાણી લેવું સારું કે મનુષ્યનું રોગપ્રતિકારક તંત્ર ખુબ જ અટપટું અને સમજવા માટે મુશ્કેલ છે. પણ જો ટૂંકમાં સમજીએ તો આ તંત્ર આપણને રોગકારક તત્વો સામે રક્ષણ પૂરું પાડે છે – જેમ કે બેક્ટેરિયા (bacteria) અને વિષાણુઓ (virus) સામે. આપણા શરીરમાં અનેક પ્રકારના શ્વેત રક્ત કોશો (white blood cells, leucocytes – immune cells) જોવા મળે છે જે આ રક્ષણ માટે જવાબદાર છે. અને ફરી વાર યાદ કરાવી દઉં, કે રોગપ્રતિકારક તંત્ર ખુબ ગુચવણ ભર્યું હોય છે – જેમ કે વિવિધ કોશો રોગપ્રતિકારક ક્ષમતાને સક્રિય બનાવે છે, બીજા કોશો તેને કાબુમાં રાખવાનું અથવા નિયમનનું કામ કરે છે, અને વળી એવા કોશો પણ હોય છે જે એક-બીજા કોશોને સક્રિય-અથવા-નિષ્ક્રિય કરવાનું કામ કરે છે. ઉપરાંત આ શ્વેત રક્ત કોશોની ઉત્પત્તિ પણ વિવિધ અંગોમાં થાય છે – જેમ કે અસ્થિ મજ્જા (હાડકાની અંદરના પોલાણ નો ભાગ – bone marrow), થાઇમસ (ગરદનના મૂળ પાસેની એક નાની ગ્રંથિ – thymus), બરોળ (spleen), અને શરીરમાં અનેક જગ્યાઓ પર વિસ્રિત લસિકાની ગાંઠોમાં (lymph nodes) થાય છે. આ લેખ પુરતી અને એક સરળ સમજણ માટે જાણવું જરૂરી છે કે બે મહત્વના શ્વેત રક્ત કોશો – બી કોશો (B-cells, મજ્જામાં વિકસતા) અને ટી-કોશો (T-cells, થાયમસમાં વિકસતા) રોગપ્રતિકારક તંત્રમાં એક વિશેષ ભૂમિકા ભજવે છે. બી-કોશો (B-cells) અને ટી-કોશો (T-cells) ઉપરાંત પણ બીજા એવા કેટલાય શ્વેત રક્ત કોશો આપદા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય છે અને આપણને સુરક્ષિત રાખે છે.

બી-કોશો (B-cells) અને ટી-કોશો (T-cells) રોગપ્રતિકારક તંત્રમાં અલગ-અલગ કાર્ય માટે જવાબદાર છે. બી-કોશો (B-cells) કોઈ પોલીસની જેમ શરીરમાં સતત રોગકારક તત્વોની (pathogens) શોધ માં લાગેલા હોય છે. જયાર કોઈ રોગકારક બેક્ટેરિયા (bacteria) અને વિષાણુઓ (virus)ના સંપર્ક માં આવે છે, ત્યારે આ બી-કોશો એવી ક્ષમતા ધરાવે છે કે તે આ રોગકારક તત્વોને એક બિન-સ્વ તત્વ (જે શરીરનું પોતાનું નથી તેવું – foreign, nonself) તરીકે ઓળખી શકે છે. અને તેને ઓળખ્યા બાદ, તે બેક્ટેરિયા અથવા વિષાણુઓ ની વિરુદ્ધ ચોક્કસ એન્ટીબોડીનો (antibodies) સ્ત્રાવ કરે છે અને તેમની રોગ કરવાની ક્ષમતાને બિન-અસરકારક બનાવે છે. સ્વાભાવિક રીતે આ રોગકારક જંતુઓ કોઈ પ્રતિરોધ વગર નષ્ટ નથી થતા, અને તે પોતાને રોગપ્રતિકારક તંત્ર સામે બચાવવાનો પ્રયાતના કરે છે. ટી-કોશો (T-cells) પણ રોગકારક તત્વોને બિન-સ્વ તરીકે ઓળખવાની ક્ષમતા ધરાવે છે – ખાસ કરીને તે આપડા શરીરના એવા કોશો ને ઓળખી શકે છે જે કોઈ બેક્ટેરિયા (bacteria) અને વિષાણુઓ (virus) દ્વારા સંક્રમિત (infected) થયા હોય.

હવે એ જાણીએ કે તણાવની (stress) હાજરીમાં આપડી રોગપ્રતિકારક શક્તિને કેવી અસર પહોચે છે? તો પ્રાથમિક તબ્બકે ટૂંકા ગાળાના તણાવને કારણે કોઈ વ્યક્તિને સામાન્ય કરતા વધારે જલ્દી અને તીવ્ર પણે તેમની રોગપ્રતિકારક ક્ષમતાની સક્રિયતામાં વધારો જોવા મળે છે. જેના કારણે અમુક વ્યક્તિઓમાં સ્વયંપ્રતિરક્ષા (autoimmune disorder) જેવી આડઅસર પણ નોધી શકાય છે. સ્વયંપ્રતિરક્ષા (autoimmune disorder) ત્યારે જોવા મળે છે જયારે આપડા શરીરમાં રહેતા બી-કોશો (B-cells) અને ટી-કોશો (T-cells) સ્વ-અને બિન-સ્વ (self and foreign or nonself) વચ્ચે ભેદ કરવામાં ભૂલ કરે છે, અને પરિણામે કોઈ રોગકારક તત્વ ને બદલે આપડા સ્વસ્થ કોશોની સામે લડવાનું શરુ કરે છે. વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના તણાવના કારણે થતા સ્વયંપ્રતિરક્ષા (autoimmune disorder) નોધ્યા છે, અને તે જોયું છે કે વારંવાર થતા તણાવને લીધે કાર્યશીલ રહેતા રોગપ્રતિકારક તંત્રને કારણે આ સમસ્યા વધારે ગંભીર રૂપ ધારણ કરે છે. પણ જો કોઈને સતત તણાવ રહે તો એની અસર કેવી હશે? – આશ્ચર્યજનક રીતે સતત રહેતા તણાવની અસર, , ટૂંકા ગાળાના તણાવ કરતા એકદમ વિરુધ જોવા મળે છે. ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સ (hormones) ના સતત સ્ત્રાવ ને કારણે રોગપ્રતિકારક શક્તિ લઘુત્તમ સ્તરે પહોચી જાય છે, અને એક સમયે આ લઘુત્તમ સ્તર થી પણ વધારે નબળી સ્થિતિમાં પહોચી શકે છે (immunosuppression). પરિણામે, સતત તણાવમાં રહેવાને કારણે આપડું શરીર વિવિધ ચેપી રોગ અને સંક્રમણ સામે સંવેદનશીલ બની જાય છે.  

તણાવ અને પુરુષ પ્રજનન – stress and male reproduction

દેખીતી રીતે લશ્કરી તાલીમ લેવામાં કોઈ મજાની વાત નથી. ૧૯૭૦ની ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન (New England Journal of Medicine) દ્વારા પ્રકાશિત શોધ થકી આપડે જાણી શકીએ છીએ કે કોઈ લશ્કરી તાલીમ લેતા પુરુષ-સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન (testosterone hormone) ખુબ નજીવા સ્તરે જોવા મળે છે – જાણે  તે કોઈ નવજાત બાળક કેમ ના હોય. આવું કેવી રીતે બની શકે? તેનો જવાબ આગળ…

આ લેખ માં આપડે જાણીશું કે તણાવ (stress) ના કારણે પુરુષ પ્રજનન (male reproduction) પ્રક્રિયામાં શું અસર થાય છે. આપડે આગળના લેખોમાં વાંચ્યું એમ, ટૂંકા ગળાના તણાવ દરમ્યાન શરીર શુક્રાણુ કોષોના (sperm cells) નિર્માણ માં રોક રાખે તે વ્યાજબી વાત છે , કારણકે તે સમયે શરીરના બીજા અંગોને (જેમ કે હૃદય, મગજ, વગેરે) ઉર્જા અને પોષક તત્વોની વધારે જરૂર હોય છે. પણ જો કોઈ વ્યક્તિ લાંબા ગાળા માટે તણાવ અનુભવે, તો તેની ભારે કિંમત ચૂકવો છે. ફરી એક વાર આપડે હોર્મોન્સ (hormones) દ્વારા શરીરમાં થતા વાર્તાલાપ વિષે અને તણાવ દરમ્યાન આ વાર્તાલાપમાં કેવા ફેરફાર થાય છે તેના વિષે જાણીશું. પણ આ વખતે, આપડે પુરુષ પ્રજનનમાં એક મહત્વાનો ભાગ ભજવતા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનું (testosterone hormone) વિષે જાણીશું. પુરુષના મગદ દ્વારા થતો ટેસ્ટોસ્ટેરોન (testosterone)નો સ્ત્રાવ શુક્રપીંડ (testes)ને સક્રિય રહેવા માટે નો સંદેશો પહોચાડે છે. સ્ત્રી પ્રજનનની સરખામણીમાં પુરુષ પ્રજનનની પ્રણાલી વધારે સરળ હોય છે, કારણ કે સ્ત્રીઓમાં માસિક સક્રિયતા અને બીજા વિશેષ પરિબળોનું નિયંત્રણ કરવા માટે એક થી વધારે પ્રકારના સંદેશા અને લગતા કેન્દ્રોની જરૂર હોય છે. તેમ છતાં, પુરુષ પ્રજનન પણ તણાવની અસર પ્રત્યે સમાન સંવેદનશીલતા ધરાવે છે.

તણાવની હાજરીમાં લોહીમાં મળતા ટેસ્ટોસ્ટેરોન (testosterone)નું સ્તર નીચે જાય છે. સ્ત્રીઓ સમાન પુરુષોમાં પણ, તણાવની ગેરહાજરીમાં મગજ દ્વારા પ્રજનન ને લગતા હોર્મોન્સ (luteinizing hormones, follicle-stimulating hormones) શુક્રાણુ કોષોનું (sperm cells) ઉત્પાદન અને ટેસ્ટોસ્ટેરોન (testosterone)ના સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. અનેક અભ્યાસો દ્વારા નોધવામાં આવ્યું છે કે વિવિધ પ્રકારના પણ સતત તણાવની (long term, chronic stress) અસરમાં રહેતા પુરુષોના ટેસ્ટોસ્ટેરોન (testosterone)ના સ્તર સામાન્ય કરતા વધારે નીચા સ્તર પર જોવા મળે છે.

હવે તમે એમ વિચરતા હશો કે ટેસ્ટોસ્ટેરોન (testosterone)નું સ્તર ઓછુ થવા થી અંતે થાય શું? તો આશ્ચર્યજનક વાત એ છે, કે ટેસ્ટોસ્ટેરોન (testosterone) પોતે કોઈ અતિવિશેષ કાર્ય નથી કરતુ, અને તેને જરૂર કરતા વધારે મહત્વ આપવા માં આવે છે. તમને ટેસ્ટોસ્ટેરોન (testosterone)ના નીચા સ્તરની બહુ ઓછી આડઅસર જોવા મળશે, અને ખરેખર ગંભીર અસર તેવા સંજોગોમાં જ જોવા મળે છે જયારે તેનો સ્ત્રાવ સાવ નાબુદ થઇ જાય. પણ તો પછી તેને આટલું બધું મહત્વ કેમ આપવા માં આવે છે, અને આપડે કેમ એના વિષે ચર્ચા કરીએ છીએ? તો જાણવાની વાત એ છે કે તાણવ દરમ્યાન હોર્મોનના સ્તર નીચે જાય એમાં વાંધો નહિ, પણ તેના દ્વારા થતી નપુંસકતા (erectile dysfunction) એક મહત્વની સમસ્યા છે. સતત રહેતા તણાવને (long term, chronic stress) કારણે કોઈ પુરુષમાં શુક્રાણુ કોષોનું (sperm cells) ઉત્પાદન ઘટે છે અને પરિણામે તે નિર્વીર્ય (impotent – બાળક હોવાની શક્યતા ઘટવી) બની શકે છે. તણાવને કારણે પુરુષને શારીરિક ઉતેજના નથી થતી (erectile dysfunction) અથવા તો અકાળ વીર્ય સ્ખલન (premature ejaculation) થઇ શકે છે.

ઉતર-અમેરિકાના (North America) અંદાજીત આંકડા દર્શાવે છે કે આશરે ૬૦% જેટલા દર્દીઓ શારીરિક નહિ પણ માનસિક કારણો થી નપુંસકતાથી પીડાતા હોય છે. સ્ત્રી અને પુરુષ પ્રજનન પ્રણાલી તણાવની અસર પ્રત્યે બીજા અંગો કરતા વધારે સંવેદનશીલતા ધરાવે છે, અને તે તણાવ શારીરિક અથવા માનસિક પણ હોઈ શકે. આ તણાવ ટૂંકા ગાળા માટે કદાચ યોગ્ય હશે, પણ લાંબા ગાળા માટે કોઈ વ્યક્તિની તંદુરસ્તીમાં ખલેલ પહોચાડી શકે છે. આગળના લેખોમાં આપડે જાણીશું કે શારીરિક તણાવ ની માનસિક અસર કેવી રીતે થાય છે. ઉપરાંત વ્યક્તિગત વૈવિધ્ય ને કારણે કેમ કોઈ વ્યક્તિ તણાવ નો સામનો સરળતા થી કરી શકે છે, અને કેમ બીજા લોકો ને આ તણાવ સામે વધારે શ્રમ વેઠવો પડે છે. છેલ્લે બે એવા પ્રકરણ છે, જેમાં તણાવની આડઅસરો થી કેવી રીતે બચવું તેના વિષે વાત કરીશું. હજુ આશાવાદ માટેના ઘણા કારણો છે.

તણાવ અને સ્ત્રી પ્રજનન – stress and female reproduction

રોમેનિયન ઓલિમ્પિક વ્યાયામ-વિદ્યાલયના (Romanian Olympic gymnastics team) મહિલા ખિલાડીઓના એક અભ્યાસ દરમ્યાન નોધવામાં આવ્યું કે જે બાલિકાઓ આશરે ૧૫ વર્ષની ઉમરે વિશ્વા સ્તરે સુવર્ણ ચંદ્રકની વિજેતા હોય છે, તે બાલિકાઓને માસિક ધર્મ સરેરાશ ૧૯ વર્ષની ઉમરે શરુ થાય છે. સામાન્ય રીતે ૧૨-થી-૧૩ વર્ષની ઉમરે શરુ થતી આ શારીરિક પ્રક્રિયામાં – નિયમિત રીતે પણ અતિશય કસરત કરવાને કારણે એક લાંબો વિલંબ જોવા મળે છે.

સ્ત્રીઓમાં તણાવને (stress) કારણે પ્રજનનને લગતી વિવિધ પ્રક્રિયાઓ અને અંગો ના વિકાસમાં વિલંબ નોધી શકાય છે, કારણકે તે શારીરિક રૂપે ખુબ ખર્ચાળ હોય છે અને તણાવ દરમ્યાન આ પ્રક્રિયાઓ પર પુરતું ધ્યાન અને રોકાણ નથી અપાતું/કરી શકાતું. આ પ્રક્રિયાઓમાં ફરી એક વાર હોર્મોન્સ (hormones) મહત્વનો ભાગ ભજવે છે. તણાવની ગેરહાજરીમાં, મગજ દ્વારા સ્ત્રી પ્રજનન ને લગતા હોર્મોન્સ (luteinizing hormones, follicle-stimulating hormones અને progesterone) અંડ-કોષને (egg cells) પરિપક્વ બનાવે છે અને તે ઉપરાંત ગર્ભ ને તૈયાર કરે છે.

પણ તણાવની હાજરીમાં આ હોર્મોન્સના સ્ત્રાવમાં ઘટાડો થાય છે. જેથી અંડ-કોશની ફળદ્રુપતાને સહાય કરનાર અલગ-અલગ હોર્મોન્સ (estrogen hormone) ના સ્ત્રાવમાં પણ ઘટાડો થાય છે, જેના કારણે સગર્ભાવસ્થાની (successful fertilization) શક્યતા ઓછી થાય છે. અપરિપક્વ અંડ-કોશો (immature egg cells) અને નબળા ગર્ભ (thin uterine walls) તણાવના પરિણામ રૂપે જોવા મળે છે. આ ઉપરાંત, પ્રજનન પ્રક્રિયાનો વિકાસ ભૂખમરાથી અથવા અતિશય કસરત કરવાને કારણે પણ ધીમો પડી શકે છે, જેનું કારણ શરીરમાં પોષક તત્વોના સંગ્રહમાં અને ચરબીનો સંગ્રહ કરતા કોશોની સંખ્યામાં થતો ઘટાડો હોય છે. તણાવની સમાન અસાર અકુદરતી ગર્ભાધાન (in-vitro fertilization) પર પણ નોધી શકાય છે.

સગર્ભા થયા બાદ પણ તણાવને કારણે ગર્ભને આડઅસર પહોચી શકે છે. પણ યાદ રાખવાની વાત એ છે કે આ તણાવ કોઈ એક-બે દિવસ દરમ્યાન અનુભવેલ નથી હોતો – પણ કોઈ લાંબા અને સતત (chronic stress) થતા અનુભવોને કારણે જોવા મળે છે. સતત તણાવની હાજરીને કારણે ગર્ભ સુધી પહોચતા લોહી અને પોષક તત્વોમાં ઘટાડો થાય છે, અને જો આમ જ લાંબા સમય સુધી ચાલે તો કસુવાવડની (miscarriage) શક્યતા વધી શકે છે.

અંતે, સતત તણાવના કારણે પ્રેમની અભિલાષામાં (libido – sexual drive) પણ શમન થાય છે. શરીરના અંગો સામાન્ય રીતે પ્રજનાનને લગતા હોર્મોન્સને કારણે સ્પર્શથી સંવેદનશીલ હોય છે, અને તણાવના કારણે આ સંવેદનશીલતા માં ઘટાડો થાય છે. તણાવની ગેરહાજરીમાં મૈથુન દરમ્યાન ડોપામાઇન (dopamine hormone – pleasure) હોર્મોનનો સ્ત્રાવ થાય છે જે મૈથુનને આકર્ષક અને આનંદમયી બનાવે છે – પણ તણાવને કારણે આ આનંદ આપડે ખોઈ બેસીએ છીએ.

તણાવ અને શિશુવિકાસ – stress and child development

જો તમે કોઈ શિશુને સતત તણાવ વાળા પરીયાવારણમાં (stressful environment) ઉછેરો, તો તમે નોધી શકશો કે તેનો શારીરિક વિકાસ ધીમી ગતિએ થઇ રહ્યયો છે. આનું કારણ શું? તો આપણે આગળના લેખોમાં વાંચ્યું એમ વૃદ્ધિને લગતા હોર્મોન્સના (hormones) સ્ત્રાવ માં ઘટાડો, ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સમાં વધારો, અને તણાવનું નિયમન કરતા સ્વસંચાલિત ચેતા તંત્રની (sympathetic nervous system) પ્રક્રિયા ને કારણે શારીરિક વિકાસની ગતિ ધીમી પડતી હોય છે. ઉપરાંત બ્લડ-પ્રેશરમાં વધારો અને શરીરમાં ઉર્જાનું અસંતુલિત વિતરણ પણ તેમાં ભાગ ભજવે છે, જેમ કે પાચનતંત્ર ને બદલે સ્નાયુઓ ને વધારે ઉર્જા પહોચાડવામાં આવે તો પાચનતંત્ર નબળું પડતું જાય છે અને બાળકને વિકાસ માટે જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નથી મળતા.

 શિશુના વિકાસ પર તણાવની અસર નજીવી બાબત નથી. દાખલા તરીકે, તણાવ ને કારણે જોવા મળતો વામનવાદ (બાળકની લંબાઈ માં વધારો ના થવો, stress dwarfism) વિશ્વના બધાજ દેશોમાં જોવા મળે છે. આ બાળકોને બીજા કોઈ રોગ અથવા કુપોષણથી પણ નથી પીડાતા, પણ માત્ર સતત તણાવ વાળા પર્યાવરણને કારણે તેના વિકાસમાં અસર પહોચે છે. તેમના લોહીમાં વૃદ્ધિને લગતા હોર્મોન્સ (growth hormones)ની ઉણફ આ બાળકોમાં જોવા મળતું એક સામાન્ય લક્ષણ હોય છે. ઉપરાંત જો આ બાળકોની સારવાર માટે જરૂરી હોર્મોન્સ પુરા પાડવામાં આવે તો પણ તેમના વિકાસ માં વધારો નથી થતો કારણ કે શરીરમાં વિકાસને લગતી પ્રણાલીમાં ખુબ મોટી અસર થઇ હોય છે. આવા બાળકો વિષે વધારે માહિતી મેળવતા જાણ થાય છે કે તે અતીશય માનસિક તણાવ માંથી પસાર થયા હોય છે. એક સારી વાત એ છે કે જો આ બાળકો ને એક નવા સ્વસ્થ પર્યાવરણ માં અને કાળજી સાથે રાખવામાં અને ઉછેરવામાં આવે તો તેમનો શારીરિક અને માનસિક વિકાસ સામાન્ય ઝડપે નોડી શકાય છે. આ વાત દર્શાવે છે કે બાળકના ઉછેર માં તણાવ કેવી રીતે એક અવરોધ રૂપી પરિબળ સાબિત થાય છે, અને એ પણ કે બાળકો પાસે આ તણાવ નો સામનો કરવાની અને તેની અસર માંથી ફરી તંદુરસ્ત થવા માટેની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે.

ઉત્તર અમેરિકાની મિયામી-યુનિવર્સીટી (Miami University) ના મનોવિજ્ઞાનીક ટીફની ફિલ્ડ (Tiffany Field) એ એક નોધપાત્ર સારવાર નો પ્રયોગ કર્યો હતો. તેમણે નોધ્યું હતું કે દર્દીની સારવારમાં અધુનીકીકરણ અને યાંત્રીકરણ ના કારણે અનેક મર્યાદાઓ સર્જાઈ હતી. જેમાની એક વાત એ હતી કે હોસ્પિટલમાં નવજાત બાળકોની સારવાર અને દેખ-રેખ અનેક પ્રકારના યંત્રો દ્વારા કરવામાં આવે છે – જેમાં તે બાળકોને શારીરિક સંપર્કથી દુર રાખવામાં આવે છે. ટીફની ફિલ્ડએ (Tiffany Field) પ્રયોગ કર્યો કે, જ્યારે પણ કોઈ નવજાત શિશુની દેખ-રેખ થતી હોય, તે દરમ્યાન તેઓ દિવસમાં ત્રણ વખત પોતે શિશુ પાસે જતા અને તે શિશુ સાથે નાની-અમથી વાત કરતા, જરા માલીશ કરતા અને થોડું રમતા. આ પ્રક્રિયાને કારણે તેમણે નોધ્યું કે જે બાળકોને શારીરિક સંપર્ક આપવામાં આવે છે, તે બાળકો ના વિકાસમાં ૫૦% વધારો જોવા મળે છે. ઉપરાંત આ બાળકો વધારે જાગૃત હોય છે, વધારે સાવચેતી દર્શાવે છે, અને સારવાર માંથી જલ્દી ઘર તરફ પાછા વળે છે. મહિનાઓ બાદ પણ આ બાળકો શારીરિક વિકાસમાં તંદુરસ્તી ધરાવે છે. આપડે હવે જાણીએ છીએ કે તણાવ દરમ્યાન વિકાસ અથવા વૃદ્ધિને લગતા હોર્મોન્સના (growth hormones) સ્ત્રાવ માં ઘટાડો થાય છે. પણ આ હોર્મોન્સ નું કામ શું? આપડે જોયું કે તે બાળકોના શારીરક વિકાસમાં મદદ કરે છે. પણ વ્યસ્ત અને પુખ્ત વ્યક્તિઓ માં આ હોર્મોન્સ કયું કામ કરે છે? તો જવાબ છે કે આ હોર્મોન્સ તમારા હાડકા અને પેશીઓના બંધારણને સ્વસ્થ રાખે છે. જો સતત અથવા નિયમિતપણે કોઈ વ્યક્તિ તણાવ અનુભવતું હોય (chronic stress), તો તેમના હાડકામાં કેલ્શિયમ જમા થવાના દર માં ધટાડો જોવા મળે છે અને પરિણામે તે વ્યક્તિના હાડકા નબળા પડે છે (osteoporosis). આ વાતમાં થી એ શીખવાનું કે અતિશય તણાવના કારણે કોઈ પણ ઉમરના વ્યક્તિ માટે સારી વાત નથી.

તણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb

કોઈ નવજાત ઊંદરના બચ્ચા ને તમે તેના જીવન ના પહેલા એક-બે મહિના માટે રોજ ઉચકો અને તમારી સાથે પાંચ-એક મિનીટ માટે રમાડો તો તેને આની ટેવ પડશે. આશ્રયની વાત એ છે કે બસ આ નાની-અમથી રમત ને કારણે તે ઊંદર જયારે પુખ્ત વાયનું થશે ત્યારે તેના શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ (stress) ને લગતા હોર્મોન્સ (hormones) નું ઓછુ સ્તર જોવા મળશે. ઉપરાંત તે ઊંદરની યાદશક્તિ બીજા ઉંદરો કરતા તીવ્ર હશે, અને તેની શીખવાની ક્ષમતા પણ વધારે હશે. વૃદ્ધ-અવસ્થામાં પણ તે ઊંદરની માનસિક અને મગજને લગતી કાર્યશક્તિ લાંબા સમય સુધી પ્રબળ જોવા મળશે.

આ વાંચતાની સાથેજ તમે એવું વિચારતા હશો કે તણાવ ને બાળકના ઉછેર અને માનસ સાથે શું સંબંધ? અહી અગત્યની વાત યાદ રાખવાની એ છે કે બાળક નો ઉછેર જન્મે ત્યારે નહિ પણ તે ગર્ભમાં હોય ત્યાર થી જ શરુ થઇ જાય છે. પર્યાવરણની અસર બાળક જન્મે ત્યારે નહિ પણ તે ગર્ભમાં હોય ત્યાર થીજ શરુ થઇ જાય છે. તો તમે એમ વિચારશો કે ગર્ભમાં પર્યાવરણ કેવું હોય? તો તેનો આધાર બાળકની માતા તે સમયે શું અનુભવે છે તેના પર રહે છે. કારણકે બાળક અને  માતા વચ્ચે એક અતુટ સંબંધ ગર્ભમાં જ શરુ થઇ જાય છે – જ્યાં બાળક અને માતાની રુધિરાભિસરણ પ્રણાલી (circulatory system) સહભાગી હોય છે, જેથી માતાના લોહીમાં રહેતા બધાજ તત્વો (જેમ કે ઓક્સીજન (oxygen), પોષક તત્વો  (nutrients), હોર્મોન્સ (hormones)) બાળક ને અસર કરી શકે છે. તેથી જ માતાના શરીરમાં થતા બધાજ ફેરફારની અસર ગર્ભમાં રહેલ બાળક ના ઉછેર પર સ્વાભાવિક રીતે જોઈ શકાય છે.

એક ગર્ભ તરીકે તણાવ અનુભવવો તે સારી વાત નથી. એક સીધી અસર તે બાળકના શારીરિક લક્ષણો અથવા ગુણો પર પડી શકે છે – જેમ કે ગર્ભમાં વધારે તણાવ અનુભવતું બાળકનું જન્મ સમયે વજન સામાન્ય સ્તર કરતા ઓછુ જોવા મળે છે. બીજી અસર થોડી બારીક પણ મહત્વની હોય છે – જેમાં એક ગર્ભ તરીકેના તમારા અનુભવો તમારા શરીરમાં કાયમી ફેરફાર કરશે અને પુખ્થ વયેના તમારા વર્તન અને તણાવ સામેના પ્રતિભાવ પર અસર કરશે. આ પરિસ્થિતિ ને ગર્ભમાં શરુ થતા પુખ્થ વયના રોગો (fetal origins of adult disease) તરીકે ઓળખવા માં આવે છે.

બાળકના જન્મ બાદ પણ સતત રહેતા તણાવની ખરાબ અસર તે બાળકના માનસ અને ઉછેર પર જોઈ શકાય છે. જો કોઈ બાળક સતત તણાવ અનુભવતું હોય તો તેના શરીરમાં પણ ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) વધારે પ્રમાણ માં જોવા મળે છે, અને પુખ્ત વયે તે વ્યક્તિ પોતાના લોહીમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) ના માપનું નિયમન નથી કરી શકતા. જેથી તણાવની ગેરહાજરીમાં પણ તે વ્યક્તિનું શરીર કોઈ તણાવ અનુભવતું હોય તેવી રીતે વર્તે છે. આની આડઅસર તે વ્યક્તિની યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર પણ થઇ શકે છે. ઉપરાંત તી વ્યક્તિ બેચેની, ઉગ્રતા, અને આવેગશીલ પ્રતિભા દર્શાવા ની શક્યતા માં પણ વધારો જોવા મળે છે.

આ થઇ બાળકની વાત. બીજી બાજુએ માતા દ્વારા કરવામાં આવેલ ઉછેર પણ તણાવ સામે સક્ષમ અથવા નબળો પ્રતિભાવ આપવા માટેનું એક મહત્વ નું પરિબળ હોય છે. માતા દ્વારા બાળકના ઉછેરની શૈલી ખુબ મહત્વનું પાસું ભજવે છે, જેના પુરાવા વૈજ્ઞાનિકો એ ઊંદર થી લઇ ને વિવિધ પ્રકારના વાનરો અને વ્યક્તિઓમાં નોધ્યા છે. આનો મતલબ કે જન્મ પહેલા ગર્ભમાં મળતું પર્યાવરણ અને જન્મ પછી માતા દ્વારા મળતો ઉછેર, બાળક ના મગજ અને હોર્મોન્સ (brain and hormones) ને એક ચોક્કસ માર્ગદર્શન પૂરૂ પાડે છે. અહિયાં ગૌણ અથવા બારીક ગણાતા તણાવની પણ અસર નોધ-કારક રીતે જોવા મળે છે.

તમે વિચારતા હશો કે જો બસ ત્રણ-ચાર મિનીટ માટે બાળક ગર્ભમાં કોઈ તણાવ અનુભવે તો શું તે તેની ભોગવાઈ ભરતું હશે? તો જવાબ છે – ના, વ્યક્તિગત વિભીન્ન્તા ને કારણે અલગ-અલગ લોકોમાં અલગ-અલગ અસર જોવા મળે છે. ઉછેર દરમ્યાન અનુભવવાતો તણાવ એ વાતની ખાતરી નથી પૂરી પાડતો કે તની આડઅસર જરૂરી રીતે નોધી શકાય. બીજા સારા સમાચાર એ છે કે જો આડઅસર થાય તો તે જરૂરી નથી કે તે કાયમી ધોરણે કોઈ વ્યક્તિને નુકસાન પહોચાડે, કારણકે  આપડું શરીર વિવિધ પરિબળો સામેની અનુકુળતા માટે એક અસાધારણ ક્ષમતા ધરાવે છે.

 ૧૯૯૪માં હોલેન્ડ જયારે જર્મની અને નાઝી ના કાબુમાં હતું ત્યારે મોટી સંખ્યા માં ત્યાના વતનીઓને ભૂખ્યા રાખવામાં આવયા હતા. પોષક તત્વોની ઉણફ અને ખાવાની ગેરહાજરીને કારણે તે વ્યક્તિઓના શરીર ખોરાકના સંગ્રહ માટે વધારે અને વધારે ટેવાતા ગયા. આશ્ચર્યની વાત એ છે, કે ભૂખ (એક તણાવ) સામે ની આ શારીરિક ટેવ માતાના ગર્ભ અને તેના પછી ની પેઢીઓ માં પણ જોવા મળી. જેમાં તે ભૂખી રહેતી માતાઓ તો ઠીક, પણ ખોરાકની હાજરી માં પણ તેમના બાળકો, અને છેક ત્રીજી-પેઢીના પૌત્રોના શરીર ખોરાક ના સંગ્રહ માટે વધારે ટેવાયેલા હતા. આ બાળકો અને પૌત્રોને Dutch Hunger Winter Babies તરીકે ઓળખવામાં આવે છે.  

Embracing differences to boost anti-tumor immunity: HLA diversity improving cancer therapy

What if someone tells you that possessing diverse genes could improve your chances of combating infections and even fighting off cancer? The divergent allele advantage hypothesis tries to explain this phenomenon. It states that possessing a greater variety of certain genes (alleles are variants of a gene) can improve individual survival. That would be just another derivation of the phrase “strength lies in differences, not in similarity”.

Read more on my contribution at Evo Bites to know how having diversity in particular genes can protect you from cancer, or improve your chances to have a successful treatment.

તણાવ અને અતિશય આહાર – stress and overeating

ચાલો વિચારીએ કે સતત તણાવ (chronic stress) અનુભવવો એટલે શું. તો આપણને કોઈ કહેશે કે, “હે ભગવાન, મને બૌ સ્ટ્રેસ રહ્યા કરે છે, ઓફિસે સાહેબ ત્રાસ આપે છે, ટ્રાફિકમાં હું રોજ હેરાન થાવ છું, મારા સગાવાહલા જરાય વાહલા નથી, અને ના પૂછો કે બીજી શું, મને રોજના ચોવીસ કલ્લાક ત્રાસ રહે છે”. હકીકતમાં આવી ફરિયાદ કરનાર વ્યક્તિ ને નથી ખબર કે રોજના ચોવીસ કલ્લાક તણાવ અનુભવવો કે સહન કરવો શું છે – કારણ કે આવો તણાવ કોઈ આખા શરીર પર દાઞેલું હોય કે સમાન પીડા અનુભવતું હોય તેવા જ વ્યક્તિને ખબર હોય છે. આપણે સામાન્ય રીતે ફરિયાદ કરતી વખતે જયારે એમ કહીએ કે આપણે સતત તણાવ અનુભવીએ છીએ, તે વખતે અર્થ એમ હોય છે કે આપણે લાંબા સમય માટે આંતરે આંતરે આ તણાવ અનુભવતા હોઈએ છીએ.

ચાલો થોડું આપડા આહાર અને તણાવ ના સંબંધ વિષે પહેલા જાણી લઈએ. તમે ખોરાકનો આહાર કરો અને જયારે ખોરાક તમારા મુખ થી અન્નનળી દ્વારા જઠરમાં પહોચે અને પછી આંતરડામાં જાય – ત્યારે તણાવ કયો ભાગ ભજવે છે? અને સોથી પહેલા તો એ જાણવાનું કે તણાવ ના કારણે આપડી ભૂખ પર શું અસર થાય છે? દુનીયામાં ૬૦% થી વધુ પ્રમાણમાં લોકો તણાવને કારણે સમાન્ય કરતા વધારે (અને ઘણી વાર અતિશય) આહાર કરે છે. આવું કેમ? આવી તો કેવી માનસિક અસર? સંશોધન બાદ જાણવા મળે છે કે આ ૬૦% થી વધુ પ્રમાણમાં લોકોમાં એક સામાન્ય પરિસ્થિતિથી પસાર થતા હોય છે. તે લોકો રોજીંદા જીવનમાં જયારે જમવા બેસે ત્યારે તે સભાનપણે ખોરાકના માપમાં કોઈ નિયમ પાળતા હોય છે. અને જયારે જયારે તે લોકો સતત કોઈ તણાવ અનુભવે છે ત્યારે ખુબ પ્રયત્નો બાદ તે લોકો આ સંયમ ખોઈ બેસે છે અને અતિશય પ્રમાણમાં આહાર કરે છે. આ દર્શાવે છે કે આપણે તણાવ અનુભીવીયે ત્યારે આવા કેટલાક સામાન્ય પણ જરૂરી નિયમન પર આપડો કાબુ ગુમાવી દેતા હોઈએ છીએ. આવી માનસિક અસર ઉપરાંત આપડું મગજ પણ તણાવ દરમ્યાન એવા હોર્મોનસ (hormones) નો સ્ત્રાવ કરે છે જે આપણી ભૂખ ઉઘાડે છે. આપણે તણાવ અને પાચન – stress and metabolism વાળા લેખમાં વાંચ્યું કે ઇન્સુલીન (insulin) તણાવની ગેરહાજરીમાં ખોરાકના પાચન અને સંગહમાં શું ભાગ ભજવે છે. પણ તણાવ દરમ્યાન શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids)નો સ્ત્રાવ થાય છે જેના વિવિધ કાર્યોમાં એક કર્યે છે કે તે આપડી ભૂખ વધારે છે, જેથી આપડે તણાવ દરમ્યાન જેટલી પણ ઉર્જા કે પોષક તત્વો નો વપરાશ કર્યો હોય તો ખોરાક દ્વારા તેને ફરી શરીરમાં તૃપ્ત કરવામાં આવે. આ દર્શાવે છે કે કોઈ તણાવના કારણે સામાન્ય વ્યક્તિ કેમ અતિશય આહાર માટે પ્રેરાય છે.

 હવે વિચારીએ કે સતત અને નિયમિત તણાવને કારણે તંદુરસ્તી પર કેવી અસર થઇ શકે. જો કોઈ વ્યક્તિ તેમના રોજીંદા જીવનમાં લાંબા સમય માટે આંતરે આંતરે આ તણાવ અનુભવતા હોય તો તે વ્યક્તિ તે તણાવ સામે પ્રતિક્રિયામાં પણ વધારે સમય વિતાવતા હશે. આવા વ્યક્તિની ભૂખ વધશે, અને ખાસ તો ગળ્યું (લાડુ, ચોકલેટ, હલવો, શ્રીખંડ, કેક, વગરે) ખાવાની ઈચ્છા વધશે. પરિણામે શરીરમાં આ અતિશય શર્કરા યુક્ત ખોરાક નો સંગ્રહ વધશે – અને તે ચરબી નો સંગ્રહ કરતા કોષોમાં (fat cells) થશે. પણ જાણવાની વાત એ છે કે બધાજ ચરબી નો સંગ્રહ કરતા કોષો એક સરખા નથી હોતા. સામાન્ય રીતે પેટ (abdominal fat cells) અને થાપાના (gluteal fat cells) ભાગમાં રહેતા આ કોશો અલગ પ્રકૃતિ દર્શાવે છે. પેટ અને તેની આસપાસ જોવા મળતા આ કોષો ( abdominal fat cells) વધારે જોખમકારક હોય છે – કારણ કે તે તણાવની હાજરીમાં બળતરાને લગતા સંદેશો (inflammatory signals) નો સ્ત્રાવ કરે છે, જેની ખરાબ અસર તમારા યકૃત (liver) અને નજીકના અંગો પર પડી શકે છે. પેટ પર જમા થતી ચરબી આમ પણ શારીરિક થાક અને તણાવનું કારણ બની શકે છે.

પણ જો આ બળતરાને લગતા સંદેશો (inflammatory signals) આપણા પાચનતંત્ર સુધી પહોચે તો શું થાય? તો જવાબ છે કે ઘણું બધું થાય. સો પ્રથમ તો પાચનની પ્રક્રિયા પર રોક આવે. અને નિયમિત રીતે જો પાચન અટકાવવામાં આવે તો માંદગી ની શક્યતા વધી શકે. પાચનતંત્રની માંદગી કોઈ વાર સમજી-સમજાવી શકાય કારણકે તેને લગતી તકલીફ આપડે કોઈ અંગમાં જોઈ શકીએ (organic bowel disorder), અથવા તેવી માંદગી જેનું નિદાન (diagnosis) આપણી સમાજ બહાર હોય (functional bowel disorder) કારણકે તે કોઈ વિવિધ શારીરિક પ્રક્રિયાઓ અને એક કરતા વધારે અંગો સાથે સંકળાયેલી હોય. સંશોધન બતાવે છે કે પાચનતંત્રની આવી વિશેષ માંદગી ઘણી વાર માનિસક અથવા શારીરિક તણાવ સાથે સંકળાયેલી જોવા મળે છે. આ એ દુનિયા અને એવા વ્યક્તિઓ ની વાત છે જેમને ઉગ્રતા ને કારણે, અથવા તીવ્ર લાગનીયોને કારણે અપચો (constipation), પેટમાં થતી બળતરા (inflammatory bowel syndrome) કે અન્ય પાચનતંત્ર ના રોગ થી પીડાતા હોય છે.

ફરી એક વાર આપણે જોઈ શકીએ છીએ કે શરીરની બધીજ પ્રક્રિયાઓ કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલી હોય છે અને એકબીજાને તંદુરસ્તી અથવા રોગ તરફ લઇ જાય છે. જો બસ કોઈ એક અંગ અથવા તો કોઈ એક પ્રક્રિયા પર આપડે ધ્યાન આપ્યા કરીએ, અને બીજા અંગો અને પ્રક્રિયાઓને અવગણીએ તો તે આપણી અસમજણની નિશાની રહેશે. બસ આ ગૂંચવણ-ભર્યા સંવાદમાં જ માહિતી અને સત્ય વધારે પ્રત્યક્ષ રીતે જોવા મળશે.